કેન્દ્ર સરકારની જાહેર ખબરમાં ત્રિરંગામાં કેસરિયાના બદલે નારંગી
નવી દિલ્હી, તા. ૨૧
આપણા રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો કેસરી, સફેદ અને લીલો હોવાનું તથ્ય જગજાહેર છે. પણ માહિતી અને પ્રસારણ મંત્રાલય કંઈક જુદો જ મત ધરાવે છે. ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૨૨મી પુણ્યતિથિ નિમિત્તે ટી.વી.માં જાહેર ખબર આપતી વખતે આ મંત્રાલયને બહુ મોટી ભૂલ કરતાં ત્રિરંગાનો એક રંગ ખોટો દર્શાવ્યો છે.
મંત્રાલયે આ જાહેરખબર ભારત નિર્માણ શ્રેણી અંતર્ગત 'સદ્ભાવ-આઈડિયા ઓફ ઈન્ડિયા' નામથી બહાર પડાઈ છે. ભ્રષ્ટાચાર અને મોંઘવારીના શોરબકોર વચ્ચે દબાઈ ગયેલી પોતાની સિદ્ધિઓને ફરીથી યાદ કરાવવા સરકાર ભારત નિર્માણ જાહેરખબર ઝુંબેશ પાછળ કરદાતાઓના ૧૮૦ કરોડ રૃપિયા વાપરી રહી છે.
સરકારે ૧ મિનિટ અને ૩૮ સેકન્ડની આ જાહેર ખબરમાં દેશની પ્રજાને સદ્ભાવના ઉદાહરણો આપતા દર્શાવાયા છે. જાહેરખબરના એક ભાગમાં શાળાની છોકરી ત્રિરંગાના ત્રણેય રંગો મારફતે સદ્ભાવનો સંદેશ આપતી નજરે પડે છે. મંત્રાલયે આ જગ્યાએ ભૂલ કરી છે. છોકરી ત્રિરંગાના ત્રણેય રંગો ઓરેન્જ, વ્હાઈટ અને ગ્રીન કહેતી દર્શાવાઈ છે. જ્યારે ત્રિરંગામાં ખરેખર ઓરેન્જ એટલે કે નારંગી નહી પણ સેફરોન એટલે કે કેસરીયો રંગ છે. ૨૨મી જુલાઈ ૧૯૪૭ના રોજ બંધારણ દ્વારા અપનાવાયેલા ત્રિરંગામાં સૌથી ઉપર ઘાટ્ટો કેસરિયો, વચ્ચે સફેદ અને નીચે ઘાટ્ટો લીલો રંગ છે. કેસરિયો રંગ ત્યાગ અને વૈરાગ્યનું જ્યારે સફેદ રંગ પ્રકાશ અને શાંતિનું પ્રતિક છે. તેજ રીતે લીલો રંગ પ્રકૃતિ સાથે સંબંધ અને સંપન્નતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે યુપીએ સરકારે ચૂંટણી વર્ષને ધ્યાનમાં રાખીને ગયા સપ્તાહે જ આ જાહેરખબર ચાલુ કરી છે. મનમોહન સરકારના પાછળના નવા વર્ષના કાર્યકાળમાં થયેલા કામોને મૌન ક્રાંતિ ગણાવતા માહિતી અને પ્રસારણ પ્રધાન મનીષ તિવારીએ આ જાહેરખબર લોન્ચ કરી હતી.
Comments
Post a Comment